અગરિયા.

અગર એટલે મીઠું અને અગરિયા એટલે મીઠું પકવનાર, સૌરાષ્ટ્ર કચ્છ માં બેસતા વર્ષના વેહલી સવાર માં ઘણા લોકો ઘરે ઘરે સબરસ વહેચવા નીકળે, જેની પાછળ નો સામાજિક સંદેશ મીઠા ની જેમ ભળી જવાનો છે. મીઠું જયારે ભોજન માં હોય ત્યારે તેની હાજરી અનુભવાતી નથી. પણ જયારે તે ના હોય ત્યારે તેની ગેરહાજરી તુરંત જણાય છે.મીઠું માણસ જાત સાથે હજારો વરસો થી જોડાયેલું છે. માનવ સભ્યતા સ્થાયી થઈ અને પાકેલો ખોરાક ખાતી થઇ ત્યારથી. મીઠું ખોરાક ના માધ્યમ થી લોકો ને જોડતું હોવાથી ભારત ની આઝાદી માં પણ ખુબ મહત્વ ની ભૂમિકા ભજવી છે .

હમણા મીઠું સમાચારો માં રહ્યું, ઉત્તરપ્રદેશ બિહાર દિલ્હી તથા અમુક રાજ્યો માં અચાનક, નોટ બંધી બાદ મીઠા ની અછત હોવાની અફવાઓ જોર પકડ્યુ, અચાનક લોકો આસપાસ ની દુકાનો માં મીઠું લેવા ભાગ્યા. ૧૮ થી ૨૨ રૂપિયે  કિલો વેચાતું મીઠું અચાનક ૪૦૦ રૂપિયે વહેચાવવા લાગ્યું. અફવાઓ નું બજાર ખુબ ગરમ હતું. લોકો મીઠું લેવા ભાગ્યા, પણ ખાવા માં ખુબ ઓછા પ્રમાણ માં વપરાતું હોવાથી તેનો સ્ટોક દુકાનો માં એટલા પ્રમાણ માં હોતો નથી. તેથી મીઠું ખાલી થઈજવા ની અફવાઓ ની બજાર ગરમી પકડી.

ઉત્તર ભારત માં તથા નેપાળ માં વપરાતું મોટાભાગ નું મીઠું ગુજરાત માંથી આવે છે. અને ગુજરાત માં પણ સુરેન્દ્રનગર જીલ્લા ના પાટડી તાલુકા ના ખારાઘોડા તથા આસપાસ  ના વિસ્તારો માંથી. મીઠું પાકવા માટે વિસ્તાર ઘણા ઐતિહાસિક સમય થી જાણીતો છે .

કચ્છ ના બંને નાનું રાણ તથા મોટુંરણ પૌરાણિક સમય માં સમુદ્ર સાથે જોડાયેલા હતા. જેથી જમીન માં ક્ષાર નું પ્રમાણ યથાવત છે .

૩૦ થી ૪૦ ફૂટ ખોદતાજ પાણી મળી આવે છે. પણ ઘણા તત્વો ભળેલા હોવાથી તેને ૨૪ ડિગ્રી તાપમાન પર યોગ્ય રીતે વહાવું જરૂરી છે. પેઢીઓ થી મીઠા ની ખેતી કરતા તે અગરિયાઓ માં તાપમાન માપવા ની કોઠાસુજ છે. તે પાણી ને આગળી અડાડી ને કહી શકે પાણી ૨૪ ડિગ્રી નું છે કે નહિ. વખત જતા હિન્દુસ્તાન સોલ્ટ કંપની ના અંગ્રેજ રસાયણ શાસ્તરી ઓએ અલગ રીત પણ શીખવી જે મીઠા ની ગુણવત્તા વધારવા માં મદદ રૂપ થઈ.એક સમયે રણ કાઠા ના ૧૦૮ ગામ મીઠુ પકાવવા નું કામ કરતા હતા. જે ઘટતા ઘટતા હાલ સમયે ૨૦ થી ૨૫ ગામ રહ્યા છે. હાલ ગામો ના ૭૦% લોકો કામ સાથે કોઈ ને કોઈ રીતે જોડાયેલા છે .

આશરે ૫૦૦૦ ચો.કી મી વિસ્તાર ના કચ્છ ના નાના રણ ની સરહદો ગુજરાત ના ચાર જીલ્લા તથા તાલુકા ની સરહદો અને ૧૦૭ ગામ ને અડે છે .

આમતો મુઘલો ના સમય થી અહિયાં મીઠા ની ખેતી થાય છે. પણ ભારત માં ૧૮૫૮ પછી તાજ ના શાસન બાદ ૧૮૮૧ માં અંગેજો આજુબાજુ ના પ્રીન્સ્લી સ્ટેટ પાસે થી ૨૩૦૦૦ એકેર જમીન લઇ અહી મીઠા ના આશરે ૧૦૦૦ પાટા પરઓડુ મીઠા ઉત્પાદક સહકારી મંડળીદ્વારા મીઠા ની ખેતી શરુ કરી .તેના નિયંત્રણ માટે સોલ્ટ એન્ડ એક્સાઈઝ ડીપાર્ટમેન્ટ પણ કાર્યરત થયો . ખારાઘોડા ની ૧૦ માઈલ સુધી ની જમીન માં ઉત્ત્પાદન થતું, રણ માં અધિકારીઓ ના આશરે ૧૦૦ બંગલા હતા, અને રણ માં ૪૦ કિમી સુધી લાંબી ટ્રેનલાઈન પણ હતી. મીઠા ના મબલખ પાક ને ખેચવા સાત સ્ટીમ એન્જીન હતા . ખારાઘોડા રૂટ પર ૧૦૦ કલેકટર નીમવા માં આવેલા . મીઠું ખેચવા ના વેગન પણ અહીજ બનતા .

હિન્દુસ્તાન સોલ્ટ કંપનીએ નવું ખારાઘોડા વસાવ્યું અને રણમાં ત્યાનાં અંગ્રેજ અધિકારીઓ ના પરીવારો નુંખરીદી સ્થળ બર્કલી માર્કેટ ખુબ વૈભવી જગ્યા ગણાતી, એક જમાના નો વૈભવી વિસ્તાર આજે પોતાના અસ્તિત્વ માટે જજુમી રહ્યો છે .મીઠા ની માંગ તો વધી છે. પણ ખુલ્લા બજાર ની હરીફાઈ મીઠું પકવતા ખેડૂતો ને કોઈ લાભ અપાવી શકી નથી.

પેઢીઓ થી વ્યવસાય માં રહેલા લોકો આઝાદી ના સમય બાદ મુખ્ય ધારા થી ધીરે ધીરે છુટા પડતા ગયા. આધુનિક જમાના નું ભણતર તેમના સુધી પોહચી શક્યું નહિ. આજે પણ નિર્દય રણ તેમના ભણતર ની આડશ બની રહું છે .

આજે ખારાઘોડા નજીક ના વિસ્તારો માં મીઠા નું , લાખ ટન ઉત્પાદન થાય છે .બજાર માં જે મીઠું ૧૮ થી ૨૦ રૂ વેચાય છે તે અગરિયા પાસે થી ૨૦ થી ૨૨ પૈસે પકાવાય છે .

મીઠા નો એક પાટો આશરે ૧૦૦ * ૧૫૦ ફૂટ નો હોય છે. અને એક કુટુંબ ના જો વ્યક્તિ કામ કરતા હોઈ તો પાટા માંથી ઉત્પાદન લઇ શકે છે. અને એક પટ્ટે આશરે ૫૦૦ થી ૬૦૦ ટન મીઠાનું ઉત્પાદન થાય છે બંને પટ્ટાથી ૧૦૦૦ થી ૧૨૦૦ ટન નું ઉત્પાદન જે ૨૨૦૦૦૦ થી ૨૫૦૦૦૦ સુધી નું વળતર આપે છે. મહીને ઉપાડ પેટે ૧૦૦૦૦ રૂપિયા મળે છે જેમાંથી ડીઝલ અને ખાવાપીવા માં તે પાણી ની જેમ ઉડી જાય છે.

જેમાંથી મોટાભાગ ના રૂપિયા ઉત્પાદન ખર્ચ માં વપરાઇ જાય છે, જનરેટર ચલાવવા ડીઝલ નો ખર્ચ સૌથી વધારે છે. સામાન્ય રીતે ચોમાસા ની ઋતુ પૂરી થાય ત્યારે સપ્ટેમ્બર ઓક્ટોબર માં અહિયાં કામ શરુ થાય છે, અગરિયા ચોમાસા દરમિયાન પોતાના પરિવાર સાથે પોતાના ગામ માં રહે છે, અને ત્યારે બાળકો સ્કૂલમાં જઈ શકે છે, હાલ ના સમયે આંગણવાડી થી લઇ પ્રાથમિક અને માધ્યમિક, ઉચ્તર માધ્યમિક અને ૫૦ કિમી માં કોલેજ સુધી નો અભ્યાસ કરી શકાય છે, પણ જો ૫૦ છોકરા નો એક ક્લાસ ૧૨ માં ધોરણ માં હોય તો આશરે વિદ્યાર્થી માંડ કોલેજ પૂરી કરી શકે છે. ત્યારબાદ રોજગારી ની વધારે સંભાવના ના હોવાથી તે પેઢીઓથી ચાલતી મીઠા ની ખેતી માં જોડાઈ જવાનું પસંદ કરે છે .

હમણા ના વરસોમાં મંદી નો સામનો કરી રહેલા મીઠા ઉદ્યોગના કારણે, કારીગરો ના બાળકો ને ભણવા સિવાય નો ઉપાય દેખાતો નથી. થોડા વરસો માં આવેલી થોડી સરકારી ભરતી માં ગામના અમુક યુવાનો ની સફળતા ના કારણે પણ થોડું સેલ્ફ મોટીવેશન નું વાતાવરણ બની રહ્યું છે .

પણ માર્ગદર્શન ના અભાવે તથા સરકારી ભરતી ની અનિશ્ચિતતા ના કારણે આર્થીક મોરચે લડવું વખત જતા મુશ્કેલ બને છે. જેથી તેઓ ને પાછા મીઠા ઉદ્યોગ તરફ વળવા સિવાય કોઈ પર્યાય નથી.

ચોમાસુ પૂરું થતા વેપારી સાથે પેહલેથીજ ઉત્પાદન નો સોદો થાય છે, પછીજ રણમાં પ્રાથમિક પાટા બનવાનું કામ શરુ થાય છે. જેને તેઓ ગારાકામ તરીકે ઓળખે છે .જેઓ પોતે પાટા કરવા સક્ષમ નથી તે આવા પાટા વાળા ને ત્યાં મજુરી કામ કરે છે .જોકે તેપણ સરકાર ના લઘુતમ વેતન કરતા ઓછુ હોય છે . ૭૫ થી ૮૦ રૂપિયા રોજ ખાવા પીવા સાથે મળે છે . તેના વિકલ્પ માં ખેત મજુરી માં પણ ૮૦ રૂ રોજ મળે છે આસપાસ ખેતી માં એરંડો તથા કપાસ  સામાન્ય રીતે ઉગાડવા માં આવે છે .

ચોમાસા માં રણ માં પાણી ભરાયજાય છે. અને પાણી ઉતરતા સમય લાગે છે, દરમિયાન ત્યાં પોહ્ચ્વું અને સાથે જીવન જરૂરિયાત ની વસ્તુ પોહ્ચાડવી ઘણું અઘરું કામ છે. બધુ પોહચાડી ને પણ પીવા લાયક પાણી મળવું ખુબ મુસ્કિલ છે .ઘણા અગરિયા પાણી ની ૫૦૦/૧૦૦ લીટર ની ટાંકી જમીન માં દાટી જુન મહિના માં પાણી સગ્રહી ને રણમાંથી વિદાય લેછે. જે પછી ઓક્ટોબર માં પીવા માં કામ આવે છે. વેચાતું પાણી ૪૦૦૦ લીટર ૩૫૦૦/૪૦૦૦ રૂ મળે છે.

માટી ના મોટા ક્યારા ૧૦૦*૧૫૦ ફૂટ ના બની જાય પછી પાણી ના બોર માંથી સતત પાણી ચાલુ રાખવા માં આવે છે. ૧૫ દિવસ પછી તેના પર અનુસાસિત રીતે પોતા ના પગ ની મદદ થી તળ ને સપાટ કરવા માં આવે છે જેના પર મીઠા નું પડ બની જતા તે જગ્યા પર સફેદ ફલોરિંગ બની જાય છે. ત્યાર બાદ સતત ૨૪ ડિગ્રી તાપમાન નું પાણી ચાલુ રાખાય છે.જો પાણી યોગ્યતાપમાન નું ના હોય તો અલગ અલગ ક્યારા જેને તેઓ દામડા તહે છે માંથી પસાર કરાય છે જેથી તેનુ તાપમાન વધારી શકાય માટે પાણી ની મોટર વપરાય છે જે જનરેટર ચાલે છે જેને ડીઝલ એન્જીન દ્વારા ચલાવાય છે .જે ઉત્ત્પાદન ના ખર્ચ માં ખુબ મોટો ભાગ પડાવે છે. એક મશીન ૨૮૦૦ લીટર જેટલું ડીઝલ ગટકાવી જાય છે .

ડીઝલ એન્જીનનું ખુબ વજન હોય તેથી રણ માંથી જુલાઈ માં જતી વખતે તેઓ મશીન જમીન માં દાટી ને જાય છે આવી ઘણી વસ્તુ દાટી ને જાય છે.

સોલાર પાવર દ્વારા ખર્ચા ને ઘટાડી શકાય છે આવું અગરિયા પણ માને છે પણ તે ક્યારે શક્ય બને તે રામ જાણે .

એક નાના એવા ઝુપડા માં રણ ની વચ્ચે જીવન ખુબ સઘર્ષ વાળું હોય છે. પ્રથમ એક દિવસ નું રોકાણજ પીવા માં ખારા પાણી અસર નો એહસાસ કરવી જાય છે.

પીવા માં ખારા પાણી ના ઉપયોગ થી પથરી તથા બીપી જેવા રોગ સામાન્ય બની જાય છે. રણ માં મેડીકલ સગવડ મળવી મૃગજળ બરાબર છે.મીઠા માં સતત પગ રેહવાથી પગ માં ખસ ખરજવા જેવા રોગ ખુબ પ્રમાણ માં જોવા મળે છે .મીઠા ના કામ માં જોડાયેલા અગરિયા ના મૃતુ બાદ તેના મૃત દેહ ને અગ્નિદાહ મળે છે પણ પગ બળતા નથી ખુબ સમય લે છે પ્રશ્ન લાગણીશીલ બનતા સનત મેહતા જેવા અગરિયા ના મસીહા સમાન નેતા ના સઘર્ષ ના લીધે ઘણી સંસ્થા શરુ થઈ. પગ માં પહેરવા ના ઇન્ડસ્ત્રીયલ બૂટ વેહ્ચ્વામાં આવ્યા પણ બધા અગરિયાઓ તેનો પુરતો ઉપયોગ કરતા જણાયાં નહિ. શિક્ષણ ક્ષેત્રે પ્રયાસો થયા છે રણ માં સ્કુલ શરુ કરાઈ છે જોકે તેની નિયમિતતા જણાતી નથી. ગુજરાત માં શિક્ષકો ની અછત છે. અને એમાં પણ રણ માં ભણાવવા જવા સમર્પણ નું કામ છે. અગરિયાઓ ના ભણેલા બાળકો દ્વારા રણ માં આવેલા બાળકો ને પ્રાથમિક શિક્ષણઆપવા ના પ્રયાસો થયા છે.

અમુક સમયે સરકારી મેડીકલ સુવિધા રણ માં પોહ્ચે છે. પણ ખરી જરૂરિયાત સમયે કે ઈમરજન્સી જેવી પરીસ્તીતી માં મદદ મળવી નસીબ પર આધારિત છે .૧૦૮ જેવી સુવિધા મળી શકે જો રણ માં રસ્તો બતાવા વાળું કોઈ સમયસર મળી જાય .

મીઠું પાકવાનું સરું થાય ત્યાર થી રોજ સવાર માં સૂર્યોદય પેહલા કામ ની શરુઆત થઈ જાય છે. પાણી ના તાપમાન નું ધ્યાન રાખવું અને તેમાં એક ખમ્પાડીયો(પોહળા પાવડા જેવું સાધન) ફેરવતા રેહવું મુખ્ય કાર્ય હોય છે .પાટા માં પાણી ભરી ને તળ બનવ્યા બાદ તેમાં સંજીત્રો નામનું તળાવ માં ઉગતું ઘાસ નાખવા માં આવે છે . જેના પર સોડીયમ કલોરાઈડ એટલે કે મીઠા ના સ્ફટિક બાજવા લાગે છે . પછી તેને પાણી માં ખેરવી ને ખમ્પાડીયા થી એક આંતરે હળ ની જેમ ચાલવા માં આવે છે. ત્યાર બાદ સ્ફટિક એક સેમી જેટલો મોટો થતો જાય છે અને પછી કામ ખુબ અઘરું થતું જાય છે રણ નું તાપમાન વધે છે અને મીઠાનો વજન પણ. તૈયાર થયા બાદ તે પોળામીઠા તરીકે ઓળખાય છે. તે તૈયાર થાય એટલે વેપારી ને પોહ્ચાળવા માં આવે છે. જો નીચે મીઠા ના તળકામ વગર સીધું જમીન પર પકવવામાં આવે તો તેને વડાગરું મીઠું કેહવા માં આવે છે પણ તે મેલું લાગેછે અને સફેદમીઠા ની માંગ વધારે હોવા થી પોળા પદ્ધતિ વધારે વપરાય  છે .

મીઠા સાથે સિમેન્ટ માં વપરાતી જીપ્સમ કે કેમિકલ ઉદ્યોગ માટે વપરાતું મેગ્નેસિયમ પણ રણ ના પાણી માં મળી આવે છે. પાણી માં દ્રાવ્ય જીપ્સમ પેહલા નીચે બેસી જાય છે પછી મીઠું પાકે અને પછી જે પાણી વધે તેમાંથી મેગ્નેશિયમ કાઢી સકાય છે જુજ અગરિયા જાતે મેગ્નેશિયમ પકવે છે જયારે બાકી ના વધેલું પાણી વેહ્ચી નાખે છે પણ છતાં તેના નફાનો ખુબ ઓછો ભાગ તેઓ ને મળે છે.

આવી હાડમારી વચ્ચે પણ માનવતા અને આવકાર અગરિયા ના જીવન માં ભારર્તીય સંસ્કૃતિ ની અતિથી દેવો ભવ ની ભાવના ની જાળવણી છે. દુર્લભ બનતી ચકલીઓ ના માળા તમને દરેક અગરિયા ના ઝુપડા માં જોવા મળશે ક્યાંક ક્યાંક તો એક ઝુપડામાં અવિશ્વસનીય રીતે ૩૦ ૪૦ ચકલીઓ જોવા મળી જાય તે પણ રણ માં !!

પોતાનું થોડા માં ગુજરાન ચાલવતા મેહમાનો ને દૂધ વગર ની ચા (કાવો) પીવડાવતા અગરિયા ચકલીઓ નું ચણ પણ રણ માં લઇ જાય છે.

જોગાનું જોગ એક ઘુડખર અભયારણ્ય છે. ઘુડખર દુર્લભ પ્રકાર ના જંગલી ગધેડા છે. ૧૯૭૨ માં વિસ્તાર ને અભયારણ્ય જાહેર કરવા માં આવ્યુ ગધેડા ને બચવા માં માણસ ની જીંદગી જોખમ માં મુકાયેલી છે. આજે પણ રણ માં પીવા નું પાણી પોહ્ચાડવા નું કામ અભ્યારણ ના લીધે કાયદાકીય ગુચવણ માં છે .પેઢીઓ થી મીઠું પકવતા અગરિયા ને જમીન સરકાર દ્વારા પટ્ટે મળતી તે બંધ થઈગઈ છે હવે જે મીઠું પકવાય છે તે જગ્યા ની કોઈ કાયદાકીય માન્યતા નથી. પણ તેમના કામ ને રોકવા માં આવતું નથી .

પીવાનું પાણી દુર્લભ હોઈ ત્યાં નાહવા ની તો વાત ક્યાં આવે, પણ કુદરત સાથે રહી ને ઘડ્યેલા અગરિયાઓ વગર સ્નાને અને ગંધાયા વગર દીવસો ના દિવસો કેમ કાઢવા તે ખુબ સરસ રીતે સીખી ગયા છે . જીવન જરૂરિયાત નો સામાન સામાન્ય રીતે ૩૦,૪૦  કિમી દુર મળે છે . જેના માટે એકાદ બાઈક અગરિયા પાસે હોઈ છે. થોડા દિવસ ચાલે તેટલા શાકભાજી બાકી કઠોળ અને ચોખા રાંધી ને ખાઈ છે રાંધવા માટે બાવળિયા ના લાકડા થી ચાલતો ચૂલો વપરાય છે.અચરજ છે કે સોલાર કુકર જેવી ટેકનોલોજી પણ હજી ઉપયોગ માં લેવાતી નથી.

સમસ્યા પાર નથી પણ બધા માં ઉડીને આંખે વળગે છે પીવા નું પાણી, રણ માં ખારા પાણી માંથી પીવા નું પાણી બનવાની ઘણી રીતો વિશ્વ માં ઉપયોગમાં લેવાય છે અને સસ્તા સાધનો પણ સોધાયા છે પણ અહી પોહ્ચયા નથી પણ ડીશ ટીવી જેવા મનરંજન ના સાધન પોહચી ગયા છે .

૧૯૮૭ માં શ્વેત ક્રાંતિ ના પ્રણેતા ડો કુરિયન પણ અહી સેવા આપી છે મીઠા ના ઉદ્યોગ માં એક સમય ની મોટી કંપની હિન્દુસ્તાન સોલ્ટ પોતે મીઠા નું ઉત્ત્પાદન કરતી તે વખત જતા સરકાર ના લઘુતમ વેતન ના કારણે ઉત્ત્પાદન મોંઘુ પડતા બંધ થઈ ગઈ.

પણ તે સમય ની વ્યવસ્થા ને હજુ લોકો ભુલી શક્યા નથી, કચ્છ માં મીઠા નું ઉત્ત્પાદન વધતા તેની હરીફાઈ ખારાઘોડા કરી શકતું નથી તેથી અહી થી અગરિયા નું પલાયન થવું કે બીજે મજુરી શોધવા જવું મજબૂરી બની ગયું છે.

હમણા થયેલી નોટ બંધી ની અસર રણ સુધી પણ પોહચી છે ભારત ગામડાઓ માં વસે છે આસ પાસ ના અમુક ગામ વચ્ચે એકજ બેંક હોવા થી લાઈનો છે. પણ હજી તેની જન જીવન પર અસર દેખાતી નથી કેમકે ગામડા માં વિશ્વાસ નું વાતાવરણ અને ઉધાર ની પ્રથા થી કદાચ થોડા મહિના આસહન કરી લે પણ પ્લાસ્ટિક મની આને ટરાન્સેક્સન અહિયાં સફળ જવાની સંભાવના શૂન્ય બરાબર છે.

ઘણી બધી સંસ્થાઓ સોસાયટીઓ મંડળીઓ કાર્યરત છે, ગણતર સંસ્થા અને સનતભાઈ મેહતા ની શ્રમિક વિકાસ સંગઠનના પ્રમાણિક પ્રયાસો બદલાવ લાવવા માં થોડા ઘણા અંશે સફળ રહ્યા છે.

પણ એક સમયે એમજ રણમાં ફરવા આવેલું ડોક્ટર ફેમેલી ત્યાની પરિસ્થિતિ જોઈ મિત્રો ની મદદ થી એક એવું કાર્ય કરી રહી છે જે આજદિન સુધી કોઈ સરકાર કરી શકી નથી.

અમદાવાદ માં સેટેલાઈટ વિસ્તાર માં રેહતા ડો અમીર સંઘવીતથા તેમના ડોક્ટર મિત્રો ની ટીમ વિસ્તાર ના કોઈ પણ વ્યક્તિ ની કોઈ પણ રોગ ની સારવાર વિનામૂલ્યે સ્વ ખર્ચે કરી આપે છે તેનું નામ રાખ્યુ છેસેતુ  દવા સુધ્ધા પોતેના ખર્ચે ઉપલબ્ધ કરાવે છે. ગામ માં અંબુભાઈ પટેલ જેવા અગરિયાઓ ના સાચા સેવક દર્દીઓ ને અમદાવાદ પોહ્ચાડવા ની સેવા કરે છે.

હાડમારી ભરેલા જીવન માં રાહત માટે અને હજારો લોકો ની રોજગારી ટકાવી રાખવા પીવાના પાણી ની વ્યવસ્થા કરવી ખુબ પ્રાથમિક જરૂરિયાત નું કામ છે ગામમાં તો વોટર ATM થી મીનરલ વોટર મળે છે મહી ને ૧૦૦ રુપીયા નું પ્રીપેઇડ રીચાર્જ પણ રણ માં પાણી ની પાઈપલાઈન થી અથવા બીજા આધુનીક સસ્તા ઉપાયો જેમકે સોલાર ડીસ્ટીલેશન પ્લાન્ટ જેમાં રણના ખારા પાણી ને પીવા લાયક બનાવી શકાય વૈશવ્ક પ્રાથમીકતા કેહવાય.

રણ માં પસાર કરવા ના થતા મહિના દરમ્યાન બાળકો ને શિક્ષણ મળે અને શિક્ષણ ના અધિકાર નો ખરો અમલ થાય તે જરૂરી છે. જો હવે ઉદ્યોગ ને ટકાવી રાખવો હોય તો સોલાર વીજ જેવા ઉપાયો થી ખર્ચ કાપ અથવા ટેકાના ભાવ ની પદ્ધતિ અથવા કોઈ રીતે પોષણક્ષમ ભાવ ૨૮૦ થી ૩૦૦ રૂપિયા ટન મળવો જોઈએ તેવું અગરિયાઓ ના જીવન ઉધ્દાર માટે કામ કરતા લોકો અને સંસ્થાઓ માને છે.

અગરિયા ના જીવનનો મારો અનુભવ જો બે શબ્દો માં વર્ણવું તો એટલુજ કહીશ

સુકાપગલા ભીની આંખ

Advertisements